
પિરામિડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત “કર્મવીર” (સાહસવીર ભાગ-2) પુસ્તકનું વિમોચન તેમજ સાહસ અને કર્મથી સફળ 21 કર્મવીરોનું એવોર્ડ આપી બહુમાન કરવાનો સન્માન સમારોહ તા.19-01-2024ને રવિવારે કોન્ફરન્સ હૉલ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કોટેચા ચોક, રાજકોટ ખાતે સાંજે 6.30 કલાકે યોજાઇ ગયો.
કાર્યક્રમનો પ્રારંભ દર વખતની જેમ પિરામિડ પબ્લિકેશનના સંચાલક શ્રી વિપુલભાઈ પરમારના માતુશ્રી જયાબેન પરમાર સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેળ. કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન શ્રી નલીનભાઈ ઝવેરી (ચેરમેન - સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ), ડૉ. કમલ પરીખ (મોટીવેશનલ સ્પીકર, લેખક), શ્રી કૌશિકભાઈ મહેતા (કટાર લેખક અને પૂર્વ તંત્રી - ફૂલછાબ દૈનિક), શ્રી જયેશભાઈ ઉપાધ્યાય (પ્રમુખશ્રી - બોલબાલા ચેરી. ટ્રસ્ટ). શ્રી પરસોત્તમભાઈ કામાણી (સ્થાપક - ડૉક્ટર પંપ), શ્રી શાંતિભાઈ ફળદુ (કુંડારીયા ફાઉન્ડેશન, રાજકોટ), શ્રી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ્સ, રાજકોટ), શ્રી વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ફાર્મ, રાજકોટ), શ્રી નિલેશભાઈ ગોસ્વામી (ચેરમેન - ક્રિએટિવ ગ્રુપ, રાજકોટ) સહિતના અગ્રણીઓ અને સમાજ રત્નોએ ઉપસ્થિત મહેમાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડયા હતા. આ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ડૉ. યશવંત ગોસ્વામી લેખિત પુસ્તકોના પુસ્તકગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું એંકરીંગ જાણીતા લેખક અને પ્રાધ્યાપક ડૉ. યશવંત ગોસ્વામી તથા જાણીતા લેખક શ્રી હેરી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી વિપુલભાઈ પરમારે કર્મવીર પુસ્તક પ્રકાશિત કરવા પાછળનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું હતું કે, સાહસવીર પુસ્તકને મળેલી સફળતા અને સરાહના બાદ તે પુસ્તકના ભાગ-2 પ્રકાશિત કરવાની જરૂરિયાત જણાઈ હતી. વિપુલભાઈએ કર્મવીર સહિતના પુસ્તકોના પ્રકાશન પ્રવૃત્તિઓમાં દાદ માંગી લેતા પડકારો તેમજ સમાજમાંથી મળેલા અનુભવોની વાતો વાગોળી હતી. આ સાથે તેમણે ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. પિરામિડ પબ્લિકેશનની દરેક સમાજસેવી પ્રવૃત્તિઓમાં મદદગાર સહાયક બનનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી નલીનભાઈ ઝવેરી, શ્રી કૌશિકભાઈ મહેતા, શ્રી પરસોત્તમભાઈ કામાણી તેમજ ડૉ. કમલ પરીખ દ્વારા તેમના પ્રાસંગિક વક્તવ્યમાં ઉદ્યોગ સાહસિકતાના અનેક ઉદાહરણો આપીને કર્મનું મહત્વ તેમજ સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા લોકો માટે પુરુષાર્થનો મંત્ર આપ્યો હતો. આપણી નજર સમક્ષ આ કર્મવીર પુસ્તકમાં જેમનો ઉલ્લેખ છે તેવા 21 કર્મવીરો જ નહીં પરંતુ પિરામિડ પબ્લિકેશન દ્વારા અગાઉ પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકોમાં પણ જેમના નામનો ઉલ્લેખ કરીને લેખો લખાયેલ છે, તે સૌ સાહસવીરોની સંઘર્ષગાથા આપણાં સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં મોબાઈલના વધારે પડતાં ઉપયોગ સામે વાલીઓ તેમના સંતાનોને પુસ્તકો વાંચવાની ટેવ પાડે તેવી ટકોર પણ વક્તાઓએ કરી હતી. સમાજમાં કર્મવીર જેટલી જ મહાન ભૂમિકા દાનવીર તરીકેની રહેતી હોય છે, ત્યારે સફળતાના મુકામે પહોંચેલા લોકો બીજાઓને પણ આગળ લાવવા તન-મન-ધનથી મદદ કરે તે અતિ આવશ્યક હોવાનો મત દરેક વક્તાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તમામ 21 કર્મવીરો વતી શ્રી કિશોરસિંહ ચૌહાણ (ફાઉન્ડર - કેએમસીએ, રાજકોટ)એ સમાજને આવા વધુને વધુ પુસ્તકો થકી યોગ્ય પથદર્શન મળી રહે તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું. દરેક સાહસિક કાર્યો કરવા માટે ધીરજ ખૂબ જ મહત્વની હોય છે, ત્યારે બિઝનેસની પ્રોસેસ તેમજ બિઝનેસ આગળ વધારવા માટે ફોલોઅપ-ફિડબેક સહિતની સેવાઓનું મૂલ્ય પણ સમજાવ્યું હતું.
અવિરત વહી રહેલા પ્રેરણાના ઝરણા સમા આ કાર્યક્રમમાં કર્મવીર પુસ્તકમાં જેમનો ઉલ્લેખ અને સંઘર્ષગાથા વર્ણવવામાં આવેળ છે, તેવા તમામ 21 કર્મવીરોનું “કર્મવીર એવોર્ડ - 2025” એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કર્મવીર પુસ્તકના પ્રકાશન કાર્યમાં આર્થિક સહયોગ આપનાર અગ્રણીઓનું પણ મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાજેશભાઈ ત્રિવેદી (શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટ, રાજકોટ), શ્રી અભયભાઈ શાહ (સચિવ - અખિલ ભારતીય ગ્રામ પંચાયત, રાજકોટ), શ્રી નવજાગૃત યુવક મંડળ, રાજકોટ ધોબી સમાજ તેમજ રાજકોટ ધોબી સમાજ મહિલા મંડળ તેમજ શ્રી નટુભાઈ વાજા દ્વારા શ્રી વિપુલભાઈ પરમારનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકાશભાઈ રાજપૂત (AWPL, રાજકોટ), પ્રકાશન ક્ષેત્રે જાણીતું નામ “ખાદ્ય ખોરાક” મેગેઝીનના પ્રકાશક દિલીપભાઈ ઠાકર, શ્રી ચિરાગભાઈ ધામેચા (સીજે ગ્રુપ, રાજકોટ) તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ડૉ. યશવંત ગોસ્વામી દ્વારા આભરવિધી કર્યા બાદ રાષ્ટ્રગીતના ગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી પરસોત્તમભાઈ કામાણીના સહયોગથી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભોજન સમારંભને પણ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ સોલંકી, નિખિલ ભાવસાર, ભાવેશ ખાનપરા, રસિકભાઈ ગોહેલ, ચિંતનભાઈ ગોહેલ, અમિત સોલંકી, સંજય ગગલાણી, પ્રવીણભાઈ પરમાર, ભરતભાઈ ગોહેલ, વિપુલભાઈ બુચ, દેવાંગભાઈ સોનાગરા, મિતેશભાઈ પીઠવા, અભિજીત ઠક્કર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
પિરામિડ પબ્લિકેશન દ્વારા 21 કર્મવીરોનું સન્માન
શ્રી પરષોત્તમભાઈ કામાણી (ડોકટર પમ્પસ)
શ્રી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ્ઝ પ્રા.લી.)
ડૉ. પ્રકાશભાઈ મોઢા (ગોકુલ સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ)
શ્રી પુનિતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ)
શ્રી સંજયભાઈ ચોથાણી (શિખર ફાઈબર ગ્લાસ)
શ્રી રાજેશભાઈ દફતરી (ડી.એસ. ઈન્ટીગ્રેટેડ ફિનસેક પ્રા.લી.)
ડૉ. રમેશભાઈ કછટીયા - ડૉ. નિલેશભાઈ આહીર (બ્લીઝ આઈવીએફ ફર્ટિલીટી એન્ડ એન્ડ્રલોજી ઈન્સ્ટીટયુટ)
શ્રી દિનેશકુમાર વાડોદરીયા (પંચશીલ સ્કૂલ)
શ્રી કમલેશભાઈ સાવલીયા - શ્રી અશ્વિનભાઈ સાવલીયા (ઈન્ડિઝોન્સ મલ્ટીપ્રિન્ટ પ્રા.લી.)
ડૉ. એમ. વી. વેકરીયા (સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલ)
શ્રી રમેશભાઈ પાંભર - શ્રી અશોકભાઈ પાંભર (એસ. કે.પી. સ્કૂલ)
શ્રી પિન્ટુભાઈ પટેલ (બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લી.)
શ્રી શૈલેષભાઈ પાદરીયા (પટેલ હોલીડેઝ ટ્રાવેલ સોલ્યુશન્સ પ્રા.લી.)
શ્રી ધર્મેશભાઈ સોની (ડી.આર.એસ. ફાયનાન્સીયલ સર્વિસીઝ)
શ્રી વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ફાર્મ)
શ્રી જયેશભાઈ સોરઠીયા (શૈલેષ ફોર્જ પ્રા.લી.)
શ્રી કિશોરસિંહ ચૌહાણ (કે.એમ.સી. એન્ડ એસોસિએટસ)
શ્રી નરશીભાઈ સતાણી - શ્રી ગીરીશભાઈ સતાણી (દ્વારકેશ એન્જિનિયરીંગ ઈન્ડસ્ટ્રીઝ)
શ્રી રણછોડભાઈ સાંગાણી - શ્રી પરેશભાઈ સાંગાણી - શ્રી સુનિલભાઈ સાંગાણી (એનવિટ્રો ગ્રુપ ઓફ કંપનીઝ)
શ્રી અજયભાઈ વાડોલીયા - શ્રી નીતિનભાઈ વાડોલીયા (શ્રી ભગવતી બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ)
શ્રી મેહુલભાઈ રવાણી (અરિહંત ઈન્વેસ્ટમેન્ટ)
Comments